મહિલાઓની ફેશન જ્યારે નવા સ્વરૂપમાં આવે છે ત્યારે તે તેમના દેહના ચોક્કસ ભાગ ઉપર જ કેન્દ્રીત થયેલી હોય છે. કારણ કે ડ્રેસ ડિઝાઈનરો શરીરને એક રમણીય પહેલી સમજે છે. જેનું રહસ્ય જાળવી રાખવા માટે શરીરની સંપૂર્ણ સમૃદ્ધિનો એક સાથે ખુલાસો પણ ક્યારેય ન કરવો જોઈએ. પરંતુ શરીરને ઢાંકવાનું તથા ઉઘાડવા બાબતે એટલું કલ્પનાશીલ સંતુલન સાધવું જોઈએ તે જોનારાઓની આંખો ચાર થઈ જાય. સમયે સમયે ક્યારેક સુડોળ જાંઘો, ક્યારેક વક્ષસ્થલ, ક્યારેક ગળાની હાંસડી, ક્યારેક કાન, ક્યારેક બગલ, ક્યારેક પેટ તો ક્યારેક પગનો આગળનો ભાગ અને ઘુંટી ઉપર પણ ફેશન કેન્દ્રીત થાય છે. પગની ઘૂંટીને તો જરા સેક્સી ગણવામાં આવતી ન હોવા છતાં મોજા વિના પગમાં બૂટ પહેર્યાં હોય તો પણ સ્ત્રીની ઘુંટી આકર્ષક અને સેક્સી લાગે છે.
ફેશન નિયમિત સમાયંતરે બદલાતી રહે છે. ફેશનમાં પરિવર્તનનું નિયમિત ચલણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. હાલ સ્ત્રીઓમાં વક્ષસ્થલ અને નિતંબની વચ્ચેના શરીરના હિસ્સાના પ્રદર્શનની ફેશન છે. અથવા નિતંબ 'ક્લિવેજ' એટલે કે શરીરના પૃષ્ઠ ભાગમાં નિતંબના ભરાવદાર સ્નાયુઓના પ્રદર્શનની ફેશન છે.
લો રાઈડર જીન્સ અને શોર્ટ ટોપ્સ બેવડું અંગપ્રદર્શન કરે છે. આ પ્રકારનું જીન્સ પહેરીને યુવતી જ્યારે ઉઠ-બેસ કરતી હોય ત્યારે એ જીન્સ નીચેની તરફ ખેંચાય છે ત્યારે બેલ્ટની ઉપરના ભરાવદાર નિતંબો સ્પષ્ટપણે નજરે પડે છે. સાથોસાથ સ્ટ્રેટેજીક ટેટુઝ અને જી સ્ટ્રીંગ્ઝની પણ આજે બોલબાલા છે.
ભારતીય સ્ત્રીઓમાં પેટ અને કમરનું પ્રદર્શન એ નવી બાબત નથી. નિતંબના સ્નાયુઓને પ્રદર્શિત કરતા વસ્ત્ર બનાવવામાં અગ્રણી મુંબઈની ડિઝાઈનરનું માનવું છે કે ભારતીય મહિલાઓ પોતાના શરીરના આગલા હિસ્સા કરતાં પાછળના હિસ્સાના પ્રદર્શન કરવા વધુ ટેવાયેલી છે. કમર ઉપર નીચેથી પહેરવાની સાડી ઉપરાંત કેરળની મુંડવેષ્ટી, આસામમાં પહેરાતી મેખલા ચાદર અને ગુજરાતના ચણિયા ચોળી તો, પરાપૂર્વથી મહિલાઓ પહેરતી આવી છે અને તેથી જ તો લો રાઈડર જીન્સ અને શોર્ટ ટોપ્સને સ્ત્રીઓએ અત્યંત સરળતાપૂર્વક અપનાવી લીધા છે.
આવા પેન્ટનો વધુ એક ફાયદો એ છે કે તેને પહેરનાર સ્ત્રી પાતલી દેખાય છે, એટલું જ નહીં, આ પ્રકારનું પેન્ટ પહેરનાર સ્ત્રીનું ધડ લાંબુ દેખાય છે, પરિણામે તેને ઉંચાઈ પણ સારી લાગે છે. એફડીસીઆઈ ફેશન વીક ૨૦૦૦ દરમિયાન નિતંબ દર્શના શૈલીના પેન્ટોએ સમીક્ષકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. તે વધુમાં જણાવે છે કે જો પેટ અને કમર હાઈવેસ્ટ જીન્સથી ઢંકાઈ જાય તો તેનાથી વધુ ભારેપણાનો આભાસ થાય છે.
મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોરથી રેસ્ટોરાઓ અને પબોમાં યુવાન છોકરીઓને પાતળા દેખાવા માટેનો કિમિયો હાથવગો થઈ ગયો છે. એમબીએમાં અભ્યાસ કરી રહેલી યુવતીનું કહેવું છે કે તેને શરીરના પાછલા હિસ્સાના પ્રદર્શનનો જરાય વાંધો નથી. કારણ ''શરીરના પાછલા હિસ્સાનું પ્રદર્શન એ ફેશનના ભાગરૂપ છે અને આ ફેશનને સાર્વત્રિક રીતે યુવતીઓએ અપનાવી છે.''
૧૯ વર્ષીય પ્રિયંકા દફતરી જણાવે છે, તેણે જોયું કે મોટાભાગના ડેનિમ વિક્રેતાઓ પાસે આવા જીન્સ ઉપલબ્ધ છે તો તેણે પણ લો રાઈડર જીન્સ પહેરવાનું શરૂ કરી દીધું. ૨૨ વર્ષની પૂજા શર્મા પાસે બે પ્રકારની પેન્ટ છે. એક દિવસે પહેરી શકાય એવી તથા બીજી સાંજના સમયે પહેરી શકાય એવી. આ સાંજે પહેરી શકાય એવી પેન્ટ નવી ફેશનની છે. પૂજા કહે છે, ''સાંજે પહેરવાની નવી ફેશનની પેન્ટ પહેરવાથી મારી કમર અને ઉરસીલનું પ્રદર્શન થાય છે. આ અગાઉ આ પ્રકારની પેન્ટ પહેરવામાં અગાઉ મને અચકાટ થતો હતો પરંતુ હવે મારો અચકાટ દૂર થઈ ગયો છે. હું પણ હવે આ ભીડનો જ એક હિસ્સો છું.''
પ્રત્યેક મહાનગરોમાં ચાલતા બારમાં ગોઠવવામાં આવેલા સ્ટૂલો ઉપર અત્યાર સુધી પુરુષો જ નજરે પડતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. પ્રત્યેક શહેરોના નામાકિંત બારોમાં ગોઠવાયેલા સ્ટૂલો ઉપર લો રાઈડર જીન્સ તથા લો ગળાના શોર્ટ ટોપ્સ પહેરીને કોકટેલના ઘૂંટ ગળે ઉતારતી આધુનિક સુંદરીઓ નજરે પડે છે. આ આધુનિકાઓની એક ચિંતા હોય છે કે હસતી વેળાએ તેમનું પેટ હલે નહીં. આ ચિંતાને કારણે આ યુવતીઓ મુક્ત રીતે હસી પણ નથી શકતી. આ ફેશનેબલ યુવતીઓ માટે પગ ઉપર પગ ચઢાવી બેસવું એ પણ અતિશય નાજુક બાબત છે. કારણ એ અશ્લિલતા અને ખૂબસુરત અદાને વિભાજીત કરતી રેખા અત્યંત પાતળી હોય છે.
લો રાઈડર જીન્સ અને લો ગળાના શોર્ટ ટોપ્સની ફેશન પાશ્ચાત્ય દેશોની દેન છે. પશ્ચિમમાં મહિલાઓની પેન્ટો સામાન્ય સીમાથી ૨ થી ૪ ઈંચ નીચી ગઈ છે. આ પ્રકારની પેન્ટો લો રાઈડર અથવા હિપસ્ટર તરીકે ઓળખાય છે.
પૂર્વ લંડનના એલેકઝાન્ડર મેક્વીન, જેને ફેશન જગતના બેડ બોય તરીકે ઓળખવામાં આવે છે તે જ કદાચ આ પ્રકારની નીચ જીન્સના જનક છે. એકવાર તે વિકલાંગોને પણ રેમ્પ મોડેલિંગ માટે લઈ આવ્યા હતા. ૧૯૯૦ના દાયકામાં આ લો જીન્સને ફેશનમાં લાવ્યા, જેનું નામ આપ્યું 'બમ્પસ્ટર્સ' તેમનો આ જીન્સ માટે દાવો હતો કે તે પહેરવાથી સ્ત્રીની કમર લાંબી દેખાય છે તથા નિતંબ અત્યંત સેક્સી દેખાય છે.
સન ૨૦૦૦ ના પ્રારંભમાં બ્રિટની સ્પીયર્સ, જેનિફર લોપેઝ તથા ચાર્લિઝ થેરોને પોતાના કસાયેલા ઉરસીલ અને અત્યાર સુધી પ્રદર્શન માટે અયોગ્ય મનાયેલા નિતંબોનું પ્રદર્શન શરૂ કરી દીધું. શૈરોન સ્ટોન પણ આ ફેશનમાં એવી તણાઈ કે ઓસ્કાર પારિતોષિક સમારંભ દરમિયાન તેણે એવો કટ-આઉટ ડ્રેસ ધારણ કર્યો હતો જેમાંથી તેના નિતંબોનો કેટલોક હિસ્સો સ્પષ્ટ નજરે પડતો હતો. પરિણામે ટુંક સમયમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બજારમાં નિતંબોના હાડકા તથા પેઢૂને ઢાંકનારી પેન્ટો શોધવાનું મુશ્કેલ બની ગયું. અને તેની માંગ ઝડપથી વધી રહી છે પરંતુ આ માંગને તે પહોંચી વળી શકતા નથી.
રિવેટ ઉપરાંત આવા જીન્સ અને પેન્ટોને દોરાઓથી તૈયાર કરાયેલી આકર્ષક મુદ્રાઓ, એપ્લીક વર્ક, મોતી વગેરે ચીજોથી સમજાવવામાં આવે છે. જે ક્લીવેજને જીન્સ સાથે એકાકાર કરી દે છે.
એટલું જ નહીં જાણીતી બ્રાન્ડોએ પણ મોંઘીદાટ ડિઝાઈનર બ્રાન્ડો ઉપરાંત આવા જીન્સની ખરીદી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ જ્યારે આવી પેન્ટોનું વેચાણ વધી રહ્યું છે તો આવી પેન્ટોના કમરના પટ્ટા વધુને વધુ નીચા જઈ રહ્યા છે. લો પેન્ટ કે જીન્સનું આ રીતે વધુ ને વધુ નીચે ઉતરવું ક્યાં જઈને અટકશે એનો નિર્ણય તો કદાચ બ્રિટની સ્પીયર્સ જ કરશે.