+

બાળકની એકાગ્રતા વધારતા નુસખા .


- બાળકોમાં એકાગ્રતા વધારવા તેમને મગજની કસરતો અને ધ્યાન જેવી ક્રિયાઓથી વાકેફ કરાવવા જોઈએ. આવી ક્રિયાઓ એકાગ્રતામાં વધારો કરીને તેમને વર્તમાનમાં રહેતા શીખવે છે.

આજના ડિજિટલ યુગમાં નોટિફિકેશનો, વીડિયો અને અન્ય આકર્ષક કન્ટેન્ટના સ્વરૂપમાં બહુવિધ વિક્ષેપોને કારણે એકાગ્રતાનો સમયગાળો ઝડપથી ઘટી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને બાળકોને તેમના કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે જેના પરિણામે વાલીઓને ડિજિટલ એક્સપોઝર ટાળવા તેમનામાં સ્વસ્થ આદતો કેળવવાની ફરજ પડી છે.

એકાગ્રતાનો સમયાગાળો એટલે કોઈ એક કાર્ય પર વિચલિત થયા વિના વિતાવેલો સમય. નાના બાળકોમાં એકાગ્રતાનો સમયગાળો ઓછો હોય છે પણ વય વધતાની સાથે તે વધવો જરૂરી છે. બાળકોમાં એકાગ્રતા વધારવા તેમને મગજની કસરતો અને ધ્યાન જેવી ક્રિયાઓથી વાકેફ કરાવવા જોઈએ. આવી ક્રિયાઓ એકાગ્રતામાં વધારો કરીને તેમને વર્તમાનમાં રહેતા શીખવે છે. બાળકને વિક્ષેપોથી રહિત એવો સ્ટડી રૂમ આપી શકાય તો બહેતર કારણ કે તેનાથી તેને ધ્યાન વિચલિત થયા વિના કાર્ય પર એકાગ્ર થવામાં સહાય થશે. ઉપરાંત બાળકને રમતગમત અથવા શારીરિક ક્રિયા થતી હોય તેવી બાહ્ય રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવો, એનાથી મગજની કામગીરી પણ સુધરે છે.

નિષ્ણાંતોના મતે વધારાની મગજની કસરત કરાવતી રમતો, અભ્યાસમાંથી નિયમિત બ્રેક અને આઉટડોર રમતો પણ બાળકની એકાગ્રતાના સમયગાળામાં વધારો કરી શકે. જો બાળકમાં એકાગ્રતા ઓછી જણાય તો નીચે જણાવેલી તરકીબો અમલમાં મુકી શકાય.

૧. મગજની કસરતો : બાળકની એકાગ્રતા સુધારવા માટે મગજની કસરતો અસરકારક ઉપાય છે. સાધારણ પ્રાણાયામ અથવા ધ્યાન દૈનિક ક્રિયામાં સામેલ કરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. મગજની કસરતોથી બાળક સ્વપ્નોની દુનિયામાં નહિ પણ વર્તમાનમાં રહેતા શીખશે અને વિક્ષેપો ટાળીને એકાગ્રતા સુધારી શકે છે.

૨. વિક્ષેપો ઓછા કરવા : બીજો ઉપાય છે વિક્ષેપો ઓછા કરતું નિયંત્રિત વાતાવરણ બનાવવું. બાળક માટે કોઈપણ વિઝ્યુઅલ અને શ્રવ્ય વિક્ષેપો વિનાની સ્ટડી રૂમ તેમને તેમના અભ્યાસ અથવા કોઈપણ કાર્યમાં લાંબો સમય કેન્દ્રિત રહેવામાં સહાય કરે છે. એનાથી બાળકની એકાગ્રતાનો સમયગાળો વધશે અને તેને પોતાના કાર્યો સફળતાપૂર્વક પૂરા કરવામાં મદદ થશે.

૩. નિયમિત વિરામ લેવો : નિર્ધારીત બ્રેક સાથેના દૈનિક કાર્યો પણ થકાન ટાળીને સમગ્ર દિવસ દરમ્યાન એકાગ્રતા જાળવવામાં સહાયરૂપ થાય છે. અભ્યાસમાંથી પણ બ્રેક લેવાથી તાજગી અને સ્વસ્થતા અનુભવવામાં મદદ મળે છે. નિયમિત વિરામ લેવાથી હળવાશનો અનુભવ થાય છે જે લાંબા ગાળે એકાગ્રતાના સમયગાળામાં વધારો કરે છે.

૪. શારીરિક ક્રિયાઓ : બાળકને શારીરિક ક્રિયાઓમાં પ્રવૃત્ત કરવાથી તેની એકાગ્રતામાં વધારો થશે. નિયમિત વ્યાયામ અથવા આઉટડોર રમતો મગજની કામગીરી સુધારતા હોવાથી એકાગ્રતા વધે છે. શારીરિક ક્રિયા માનસિક પ્રવત્તિને પણ સક્રિય કરે છે જેનાથી એકાગ્રતા વધે છે અને માહિતી બહેતર રીતે સમજી શકાય છે. અભ્યાસના લાંબા ગાળા દરમ્યાન અથવા સ્ક્રીનના સમય દરમ્યાન વિરામનો સમય પણ સામેલ કરવાથી તમારા બાળકની એકાગ્રતા અને ઉત્પાદકતામાં સુધારો થઈ શકે છે. બાળકે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. આથી જ કોઈ નિષ્ણાંતની સલાહ મુજબ ચાલવું, દોડવું, તરવું, સાયક્લીંગ અથવા જીમનેસ્ટીક્સનો વિકલ્પ પસંદ કરી શકાય.

૫. સ્મરણની રમતો : સ્મરણની રમતો પણ કારગત નિવડી શકે છે. આવી રમતો બાળકોની એકાગ્રતાને વધુ તિક્ષણ બનાવે છે જેના પરિણામે તેઓ પડકારજનક સ્થિતિમાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આથી સ્કૂલમાં જ નિયમિતપણે સમગ્ર વર્ગમાં સ્મરણની રમતો સામેલ કરી શકાય જેનાથી બાળકોની એકાગ્રતા સારી રહેશે. ફ્રી વર્ગમાં પણ આવી રમતો સામેલ કરી શકાય.  વાલીઓએ પણ બાળકો સાથે મગજ સંબંધિત રમતો રમવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી બાળકો તેમના અભ્યાસ અથવા તેમને સોંપાયેલા કાર્યને સારી રીતે કરી શકશે.

૬. સ્પષ્ટ દિનચર્યા રચો : બાળકોની એકાગ્રતા સુધારવાની વાત આવે ત્યારે સાતત્યતા મહત્વની સાબિત થાય છે. દિનચર્યા સ્પષ્ટ કરવાથી બાળકોને અંદાજ આવી જાય છે કે હવે તેમણે શું કરવાનું છે જેના પરિણામે તેમને તાણ નથી થતી અને એકાગ્રતાની ક્ષમતા વધે છે. દિનચર્યામાં વાંચવા, હોમવર્ક અથવા રચનાત્મક રમતો જેવા એકાગ્રતાની જરૂર પડે તેવા કાર્યો સામેલ કરવા.

૭. સ્ક્રીન ટાઈમને મર્યાદિત કરવો : વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોની એકાગ્રતાને હાનિ પહોંચાડે છે. ટીવી, વીડિયો રમતો અને અન્ય ડિજિટલ ઉપકરણો પર વાજબી મર્યાદા સ્થાપિત કરો. તેમને મગજ અને શરીર બંનેનો ઉપયોગ થાય તેવી આઉટડોર રમતો, બોર્ડ રમતો અથવા કળા અને ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરો. જ્યારે સ્ક્રીન જરૂરી હોય ત્યારે પણ તેમાં શૈક્ષણિક અને ઈન્ટરએક્ટીવ કન્ટેન્ટ પસંદ કરવો.

૮. કાર્યને નાના હિસ્સામાં વિભાજિત કરો : લાંબા અને જટિલ કાર્યો બાળકોને માનસિક રીતે પણ થકવી શકે છે અને તેમનું ધ્યાન ભટકાવી શકે છે. આથી આવા કાર્યોને નાના અને સંભાળી શકાય તેવા હિસ્સામાં વિભાજિત કરીને બાળકને એક સમયે એક હિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરી શકાય. તેમની પ્રગતિને બિરદાવવા અને તેમની એકાગ્રતા ટકાવવાની ક્ષમતા વધારવા તેમના કાર્યો પૂરા થતા જાય તેમ તેમને બિરદાવતા રહો.

૯. સ્વસ્થ જીવનશૈલી : સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ બાળકના મગજની સક્ષમ કામગીરી અને એકાગ્રતા માટે જરૂરી છે. બાળકને પોષક આહાર, શારીરિક પ્રવૃત્તિ અને નિયમિત ઊંઘ મળે તે સુનિશ્ચિત કરો. સાકરયુક્ત નાસ્તા તેમજ કેફિનયુક્ત પીણા ટાળો કારણ કે આવી વસ્તુઓ એકાગ્રતા અને વર્તન પર નકારાત્મક અસર કરે છે.

૧૦. સહાયક બનો : બાળક માટે એક સહાયક, ધૈર્યયુક્ત અને સહાનુભૂતિશીલ વાલી બનો. યાદ રાખો કે એકાગ્રતાનો સમય વય સાથે વધે છે અને બાળક જેમ મોટું થશે તેમ તેની એકાગ્રતા પણ વધશે. કોઈપણ કાર્યને વારંવાર કરવાથી પણ એકાગ્રતા વધે છે.

૧૧. યોગ્ય સૂચનાઓ આપો : બાળકને સ્પષ્ટ, સંક્ષિપ્ત, સરળ અને તબક્કાવાર સૂચનાઓ આપો. લક્ષ્યાંક વાસ્તવિક રાખો. તેમને ગૃહકાર્યમાં મદદરૂપ થવા પ્રોત્સાહિત કરો.

૧૨. ભણતરને આનંદદાયક બનાવો : આનંદપૂર્વક અભ્યાસ કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપો જેવી કે મનપસંદ પુસ્તકો સાથે વાંચવા, કોયડા ઉકેલવા, ચેસ રમવા જેવી રમતોને પ્રોત્સાહન આપી શકાય. બાળક માટે આદર્શ બનો. તેમને પ્રત્યક્ષ સાથ આપો.

- ઉમેશ ઠક્કર

facebook twitter