+

ફરી પાછી આવી ગરમીની મોસમ .


- ઉફ્ફ્ આ ગરમી.....પણ લેટેસ્ટ ફેશન સ્ટાઇલ અપનાવીને તમે 'કુલ' રહી શકો છો...

ઉનાળાનો સમય આવે એટલે કુદરતી કાપડમાંથી બનેલા વસ્ત્રો એકદમ આરામદાયક બની રહે. સુંદર પ્રીન્ટ અને ડેનીમ, લિનન, ક્રીન્કલ્ડ, ક્રશ્ડ કોટન અને અન્ય નેચરલ ફેબ્રિકમાંથી બનેલા વસ્ત્રોથી બધાં માર્કેટ ઊભરાવા માંડશે. જો પુરુષો બાટીક અને ટાઇ એન્ડ ડાઇ ડિઝાઇનનાં શર્ટ અને કેપ્રીઝ પહેરશે તો સ્ત્રીઓ ઘેરદાર સ્કર્ટ, ફ્લોઇડ સનડ્રેસીસ અને ઑફ શોલ્ડર બ્લાઉઝ ઉપર હાથ અજમાવશે. સ્ત્રીઓ માટે પ્રિન્ટેડ અથવા મિરર વર્કની કુરતીઓ, કોર્સેટ બ્લાઉઝ અને એમ્બ્રોઇડરી તથા સ્વરોસ્કી ધરાવતાં જીન્સથી અનેક મોલની દુકાનો સજી ઉઠશે તો લખનૌના ફેમસ ચીકન વર્ક કુરતા અને કુરતી પણ ફેશનની દોડમાં આગળ રહેશે. આ સિઝનમાં તમે શિફોનનાં સલવાર-કમીઝથી માંડીને પટિયાલા સલવાર સાથે પહેરાતાં ચીકન કુરતા પણ જોઇ શકશો.

આગળ પ્લીટ્સ ધરાવતાં સોફ્ટ કોટન પેન્ટ્સ પુરુષો માટે ફેશનનો પર્યાય રહે છે. તેમાં થોડું સ્ટ્રેચ હોવાથી તેનું ફિટીંગ પણ યોગ્ય રીતે બેસે છે. કેઝ્યુઅલ વેર માટે પુરુષો ખાખીના વિવિધ શેડ અને પેન્ટ્સ કે વર્સેટાઇલ કાર્ગો શોર્ટસ પસંદ કરી શકે છે. તેમાં સરફેસ ટ્રીટમેન્ટ અને હેવી વૉશ આજકાલ ખૂબ લોકપ્રિય છે.

કેઝ્યુઅલ વેર તરીકે જિન્સ ઉપર સ્પોર્ટસ શર્ટસ અને સ્વેટશર્ટ પહેરવામાં આવે છે. ફોર્મલ જેકેટને બદલે સફારી સૂટ પસંદ કરાય છે. લાઇટ વેઇટ ડેનિમ અને કોલરના શર્ટ પણ ઇનથીંગ ગણાય છે. આ વસ્ત્રોમાં લેધર ટ્રીમીંગ, મેટલ ઝીપ્સ, સ્ટડ અથવા પંચકરેલા સિલ્વર હોલ્સ હોય છે. ઉનાળામાં ડેનિમ, જ્યોર્જેટ અને કોટન ખાદી વધુ લોકપ્રિય બને છે. આ કાપડ હવાદાર હોવાથી તમને ઠંડક આપે છે. પણ પ્યોર કોટનને કરચલી પડવાથી બચાવવું થોડું મુશ્કેલ છે. થોડા ફેશનેબલ હો તો મોટી નેકલાઇન અને સ્લીવલેસ વસ્ત્રો પણ પસંદ કરી શકાય. લોંગ કુરતાને બદલે કુરતી અને દુપટ્ટા વગર સલવાર કમીઝ પહેરી શકાય. દુપટ્ટાને બદલે સ્કાર્ફ કે સ્ટોલનો ઉપયોગ કરી શકાય. અન્ય વિક્લ્પ તરીકે કેપ્રીઝ, કાર્ગો શોર્ટસ, સ્પેગેટી ટોપ્સ કે ડ્રોસ્ટ્રીંગ પેન્ટ્સ પસંદ કરી શકાય.

ટપકાં, પટ્ટા, ફૂલ કે ગુલાબની ડિઝાઇન ધરાવતું કાપડ સ્પોર્ટી લુક આપે છે. સ્ત્રીઓએ ઊંડા વી નેક પહેરતાં ખ્યાલ રાખવો કે તેની નેકલાઇન યોગ્ય રીતે ગોઠવાય. ઉનાળામાં રંગોની પસંદગી છૂટથી કરી શકાય. પેસ્ટલ અને બ્રાઇટ શેડ વધુ પસંદગી પામે છે ત્યારે પ્યોર સફેદ રંગને ઉનાળામાં ક્યારેય અવગણવો નહીં. ફ્રેશલુક માટે સફેદ રંગના કપડાં પહેરી શકાય, જેને બ્રાઇટ રંગના શેડ સાથે મેચ કર્યા હોય. દિવસનાં ભાગમાં પેસ્ટલ શેડ સારા લાગે છે તો સાંજના સમયે પીળા, ટર્કોઇઝ, ક્લાસીક રેડ અને બ્લ્યૂ રંગો વધુ પસંદગી પામે છે. બેઇઝ, ચોકલેટ, પીચ, સોફ્ટ રોઝ, ડસ્કી પીંક, ડીયર રોઝ, ગોલ્ડ, ઓલીવ ગ્રીન, ખાખી, મિલીટરી ગ્રીન, સોફ્ટ બ્લ્યૂ ગ્રે, લાઇટ બ્લ્યૂ, લેપીસ બ્લ્યૂ, પોપી રેડ ઉપરાંત બ્લેક, વ્હાઇટ અને ક્રીમનું કોમ્બીનેશન અન્ય રંગો સાથે કરી શકાય. પુરુષોમાં પણ ઘેરા રંગો જેવાં કે હોટ પીન્ક, ઇલેક્ટ્રીક બ્લ્યૂ, સીગ્રીન, પીચી ઓરેન્જ અને કેનેરી યેલો પસંદ કરવામાં આવે છે.

આજકાલની ફેશન પણ ઉનાળાની ગરમીને માફક આવે તેવી છે. ઓવર સાઇઝ કફતાન ટોપ્સ, ઘેરદાર સ્કર્ટ અને ફ્રીલ ધરાવતાં સોફ્ટ ડ્રેસીસ વધુ લોકપ્રિય છે. પીઝન્ટ ટોપ્સ અને ટયુનીક ઘેરવાળા સ્કર્ટ સાથે પહેરી શકાય 

કે કોર્સેટ સ્ટાઇલનાં ટોપ્સ, લેયરડ સ્કર્ટ સાથે જેમાં અનિયમિત હેમલાઇન હોય, પહેરી શકાય.

આ સિઝનમાં લાઇટ ફેબ્રીક ઉપર વધુ પસંદગી ઉતરે છે. જેમાં ડેલીકેટ શિફોન, જ્યોર્જેટ, ક્રેપ અને નેચરલ ફેબ્રીકનાં વસ્ત્રો લોકોને ગમે છે. સામાન્ય માણસનો પહેરવેશ ગણાતાં ખાદી અને જ્યુટ પણ ફેશન ફેબ્રીક ગણાવા માંડયા છે. અન્ય નેચરલ ફેબ્રીક સાથે  ભેળવીને તેમાંથી બનેલાં વસ્ત્રો ફેશન સ્ટેટમેન્ટ બની શકે છે, જે ફોર્મલ અને ઇવનીંગ કે કેઝ્યુઅલવેર તરીકે પણ પહેરી શકાય.

કુદરતી ફેબ્રિકને જેટલા ઓછા પ્રોસેસ કર્યા હોય તેટલા તે વધુ હવાદાર બની શકે છે. તેને કારણે તે પરસેવો જલદી શોષે છે અને સૂકા પણ રહે છે. કોટનમાં અન્ય વિકલ્પો અને મિશ્રણ તરીકે મસ્લીન, ક્રીસ્પ અને  પારદર્શક ઓરગંડી, સીયરસકર કે ફાઇન સ્વીસ કોટન વપરાય છે.

મહિલાઓ જે પણ કાપડ પસંદ કરે, તેમાં સુંદર ડિઝાઇન અને અનેક રંગોના ફૂલો હોય તો તે વધુ આરામ દાયકતાનો અનુભવ કરી શકે છે. શિફોન અને જ્યોર્જટમાં તમને આ પસંદગી મળી શકે છે. રાજસ્થાની લહેરિયા અને બાંધણી પણ એટલી જ પસંદગી પામે છે. પુરુષો માટે ઉનાળામાં લિનન શ્રેષ્ઠ છે.

ડેનિમ એ એવું ફેબ્રિક છે, જે અહીં હંમેશા ફેશનમાં રહેશે. અત્યારસુધી તેને જિન્સની સાથે સરખાવાતું હતું પણ હવે તે હાઇફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. ડેનિમ અવનવી રીતે પહેરી શકાય છે. ફાડીને, સાંધા લગાવીને, એમ્બ્રોઇડરી, ક્રીસ્ટલ, ભરતવર્ક વગેરેનો ઉપયોગ પણ થઇ શકે છે. ડેનિમ સાથે તમે નવીનતાની જેટલી કલ્પના કરો તેટલી ઓછી પડે છે. ડેનિમનો ઉપયોગ શર્ટસ, જેકેટ, સ્કર્ટ, કુરતા વગેરે બનાવવામાં પણ થઇ શકે છે. બૂટ કટ્સ પેન્ટ એટલાં જ લોકપ્રિય છે પણ પાતળા પગ ધરાવનાર વ્યક્તિ જો લાઇટ કલરના વોશવાળા અને હાઇ-વેસ્ટ બેન્ડ ધરાવતાં જીન્સ પહેરે તો તે ફેશનમંત્ર ગણાય છે. તેમાં સરસ ઝીપર્સ, કાર્ગો પોકેટ્સ વગેરેથી નવીનતા લાવી શકાય.

જો તમારી પાસે ડેનિમ હોય અને તે જૂનું હોય તો તેને નવીનતા આપવા વાયર બ્રશથી ઘસી શકાય. તમે વધુ બોલ્ડ વસ્ત્રો પહેરતાં હો તો ત્યાંનો ભાગ ઘસીને ફાડી શકાય. શિફોનના વસ્ત્રો પણ ડાઇ, બલોક પ્રીન્ટ અથવા એમ્બ્રોઇડરી ધરાવતાં હોય ત્યારે પહેરનારને જુદો દેખાવ આપે છે.

એમ્બ્રોઇડરી કરેલા વસ્ત્રોમાં સમાન રંગના દોરાથી કે જુદા જુદા રંગના દોરાથી કરાયેલું ભરતકામ લોકપ્રિય છે. આજકાલ સરફેસ ટેક્ષચરીંગ પણ લોકપ્રિય બન્યું છે. ઘણાં ડિઝાઇનરો કુદરતી ફેબ્રિકને તેના અસલ રૂપમાં રહેવા દઇ ટેક્ષચરીંગ અને વોશથી નવો દેખાવ આપે છે. કોટનને ફીનીશીંગ કરવામાં આવે ત્યારે કરચલી, પ્લીટ્સ ટપકાં વગેરે ડિઝાઇન ધરાવતું બની શકે છે.

આજકાલ ડિઝાઇનર બ્રાન્ડ પણ પોતાના સમર કલેક્શન સાથે રજૂ થાય છે, જેમાં ડેનિમ જીન્સથી માંડીને શોર્ટ ટોપ સુધી બધું જ હોય છે. સ્કર્ટસ્, ક્રોપ્ડ્ ટોપ્સ, શોર્ટ અથવા રેગ્યુલર લાંબી સ્લીવ ધરાવતાં શર્ટ સાથે શૂઝમાં પાતળી હિલ્સ, પાતળી પટ્ટીઓ ધરાવતાં સેન્ડલ પસંદ કરવામાં આવે છે. પુરુષો સેન્ડલ, મોકેસીન, સ્નીકર્સ અને ટ્રેઇનર્સ પસંદ કરી શકે છે.

ઉનાળાની ગરમીમાં ફેશનેબલ રહેવાનો અર્થ છે, યોગ્ય રીતે વસ્ત્રોની પસંદગી કરવી. તેથી હળવા અને ખુલ્લા રંગના વસ્ત્રો પસંદ કરો. 

શોપિંગ કરવું છે? આટલું ધ્યાન રાખો

- નવી સિઝન માટે કપડાંની પસંદગી કરતાં પહેલાં અખબારોના ફેશન અંગેના લેખો જોઇ જવાં. તેમાં રંગો, કાપડ, ડ્રેસના આકાર, ફૂટવેર, હેરસ્ટાઇલ, જ્વેલરી અને એસેસરીઝ કઇ લોકપ્રિય છે, તે જાણી લેવું.

- સમય કાઢીને તમારી પાસે અગાઉથી ક્યા ક્યા રંગો છે, તે જુઓ. તમારી પાસે એજ ડિઝાઇન અને રંગો જો હોય તો તેમાંથી ન ગમતી ચીજોે કાઢી નાખો અને નવી વસ્તુઓ ખરીદો.

- સમય કાઢીને શોપિંગ કરવા નહીં પણ માત્ર જોવા જાઓ. પછી તમને જો ખરેખર ખરીદવા જેવું લાગે તો ખરીદો.

- વોર્ડરોબમાં દરેક રંગના વસ્ત્રો રાખો, સાથે સોફ્ટ પેસ્ટલ રંગોને લાલ, ટર્કોઇસ કે યેલો જેવા બ્રાઇટ રંગો સાથે પણ મેચ કરો.

- લિનન, ક્રીંકલ્ડ અને કશ્ડ કોટન, જ્યોર્જેટ, શિફોન, ખાદી કે જ્યુટના બનેલા વસ્ત્રો અજમાવી શકાય.

- ઉનાળામાં પ્રિન્ટ્સ અને બ્રાઇટ રંગો વધુ પસંદગી પામે છે પણ તેને ક્લાસીક સફેદ સાથે જોડીને ટોન ડાઉન કરી શકાય.

facebook twitter