+

યુગલોએ સંબંધમાં મક્કમતા જાળવવાની તરકીબ - સમજદારી સાથે સાંભળો, સંભળાવો અને સમાધાન કરો


- સંબંધોમાં અડગ અને મક્કમ રહેવાથી અર્થસભર સંવાદ શક્ય બને છે. મક્કમતા એવો મહત્વનો ગુણ છે જે સંબંધ અને જીવન બંનેમાં સફળતા માટે જરૂરી છે. સદ્નસીબે સંબંધમાં મક્કમતા જાળવવાની કળા કોઈપણ વયે શીખી શકાય છે. આ તરકીબ કોઈને પણ શીખવી શકાય છે. 

અન્ય લોકો સાથે વાતચીતમાં સીધું, પ્રમાણિક અને નમ્ર હોવું એ મક્કમતાની વ્યાખ્યા છે; તે દબાણયુક્ત અથવા સંઘર્ષાત્મક હોવાનો સંકેત નથી. સંબંધોમાં અડગ અને મક્કમ રહેવાથી અર્થસભર સંવાદ શક્ય બને છે. મક્કમતા એવો મહત્વનો ગુણ છે જે સંબંધ અને જીવન બંનેમાં સફળતા માટે જરૂરી છે. સદ્નસીબે સંબંધમાં મક્કમતા જાળવવાની કળા કોઈપણ વયે શીખી શકાય છે. આ તરકીબ કોઈને પણ શીખવી શકાય છે. તમારા જીવનસાથીને ખુશ જોવા એ એક સામાન્ય લાગણી છે. પણ સંબંધમાં અડગતા અથવા મક્કમતા જાળવવાનો અર્થ છે તમારી જરૂરીયાત સુનિશ્ચિત કરવી. જેમ તમે તમારા પાર્ટનરને ખુશ જોવા ઈચ્છો છો તેમ તમને પણ ખુશ રહેવાનો હક્ક છે.

રિલેશનશીપ કાઉન્સેલરો અને થેરેપીસ્ટોના મતે સંબંધમાં મક્કમતા જાળવવા કેટલાક મહત્વના પગલા ઉપયોગી થઈ પડી શકે:

તમારા ઈરાદાને કેન્દ્રમાં રાખો

તમે કોઈપણ યોજના કર્યા વિના ચર્ચા શરૂ કરી હોય પણ તમારા પાર્ટનર ભળતો જ મુદ્દો ઉઠાવે ત્યારે તમે ગૂંચવાઈ જાવ છો. પણ જો બંને પાર્ટનર મુળ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત રાખશે તો ચર્ચાનું પરિણામ બંને માટે ચોક્કસ સકારાત્મક જ આવશે. તમારી લાગણી અથવા તમારી જાણકારીમાંથી ધ્યાન વિચલીત ન કરવું. તમારા ઈરાદાને નજરઅંદાજ ન થવા દો, ખાસ કરીને વાત જ્યારે વધુ જટિલ બની હોય ત્યારે. એમાં પણ જ્યારે તમે જ્યારે 'મારા મતે', 'મારા વિચારવા મુજબ', 'મારી કલ્પના મુજબ' જેવા શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરો છો ત્યારે પરિણામ સકારાત્મક આવવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

યુદ્ધ જીતવા લડાઈ હારવી પણ પડે

એક વિખ્યાત કહેવત છે, તમે સાચા હોઈ શકો અથવા તમે સંબંધમાં હોઈ શકો. બંને સાથે ન થાય. માનવીય પ્રકૃતિ છે હમેંશા પોતાને સાચા માનવાની. આપણને અન્ય કરતા બહેતર માનવામાં એક આનંદ મળતો હોય છે. પણ જ્યારે સંબંધ અને વાતચીતની વાત આવે ત્યારે તમે સાચા હોવાની જીદ કરશો તો સંબંધ ગુમાવી દેવાની સંભાવના વધી જશે. યુદ્ધ જીતવા લડાઈ હારવાનો અર્થ છે મહત્વની ખુશી મેળવવા નાની અમથી જીદ જતી કરવી. તમારા જીવનસાથીની ઈચ્છાઓને સમર્થન આપવા અથવા ઉષ્માભર્યો, હૂંફાળો અને પ્રેમાળ સંબંધ બનાવવા ક્યારેક થોડી બાબતો જતી પણ કરવી પડે.

તમારા સંવાદમાં કરૂણા, પ્રેમ અને સમજદારી સામેલ હોવા જોઈએ

વાતચીતમાં મક્કમતાનો અર્થ થાય છે કે સામેની વ્યક્તિને તમે સમકક્ષ માનો છો, તમારીથી વધુ નહિ અને ઉતરતી પણ નહિ. જીવનસાથી સાથેની વાતચીતમાં પૃષ્ઠભૂમિમાં કરૂણા, પ્રેમ અને હૂંફ સામેલ કરવાથી સમગ્ર ચર્ચાને એક નવું જ પરિમાણ મળશે. આ ગુણો તમને પાર્ટનરની લાગણી સમજવામાં સહાયરૂપ થશે જે પરસ્પર પ્રેમથી જ ઉદ્ભવે છે.

દૈનિક જીવનમાં સદાચારનું પાલન

સદ્ગુણો સાથે જીવવું એટલે તમારી પોતાની નૈતિક્તા હોવી જોઈએ અને આ ધોરણો તમારી દિનચર્યામાં સામેલ હોવા જોઈએ. વાત જ્યારે સંબંધોની આવે છે ત્યારે તમારા નિયમો અને ધોરણોને મક્કમતાપૂર્વક જાળવી રાખો. તમારી ઉશ્કેરણી કરવામાં આવે ત્યારે પણ આ સદ્ગુણો છોડવા નહિ. એકપક્ષીય અમલ એટલે તમે જે ગુણોને અર્થસભર માનો છો તેની પૂરી જવાબદારી સ્વીકારવી.

વાતચીત તમારા પોતાના માટે કરો, તમારા પાર્ટનરને બદલવા માટે નહિ

ઘણા કપલો પાર્ટનરને બદલવાનો મુખ્ય ઈરાદો રાખતા હોવાથી તેમની વચ્ચેની વાતચીત સ્થગિત થઈ જાય છે. આ પ્રકારની ચર્ચામાં સામેની વ્યક્તિએ પહેલેથી જ પોતાના બચાવમાં ઉતરવું પડે છે. આવી ચર્ચા ઘણી વાર એવી રીતે સમાપ્ત થઈ જાય છે જેમાં બંને બોલે છે પણ સાંભળતું કોઈ નથી અને બંનેને નુકસાન થાય છે. ચર્ચા શરૂ કરવા અગાઉ તમારી માનસિક્તા બદલો અને તમારા વિશે કંઈક નવું જાણવા તેમજ તમારી ખરી ઓળખ કરાવવાના હેતુથી ચર્ચા કરો.

ગૌરવ અને ગંભીરતા સાથે ચર્ચા કરો

આ તબક્કાનો સાર છે તમે આત્મસન્માન જાળવો. એનો અર્થ છે કે તમે પોતાની જાતને સમર્થન આપો અને પ્રોત્સાહિત કરો. ચર્ચામાં સામેલ થતી વખતે તમારી જરૂરીયાતો, આવશ્યક્તાઓ, વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓને યોગ્ય રીતે રજૂ કરશો તો તમને વધુ સારી રીતે સાંભળવામાં આવશે. ઉપરાંત તમારી વાતને વધુ માન અને સન્માન મળશે.

પાર્ટનરની જરૂરીયાતો અને ઈચ્છાઓ સમજો

યાદ રહે કે સંબંધોમાં મક્કમતા બે માર્ગી ક્રિયા છે. તમારી વાત સાંભળીને તમારા પાર્ટનર પણ પ્રતિસાદ આપશે અને તેનાથી જ તમને અલગ દ્રષ્ટિકોણથી સાંભળવાની તક મળશે. તમે જ્યારે પ્રતિસાદ સાંભળો ત્યારે તેમાં રહેલા તથ્યથી આગળ જઈને વાતને સમજવાનો પ્રયાસ કરો અને વાતમાં છુપાયેલી પાર્ટનરની વિશેષ જરૂરીયાતો અને ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.  વિગતોમાં ગૂંચવાઈ ન જાવ,પણ વાતમાં ઊંડા ઉતરો અને જે નથી કહી શકાયું તેને સાંભળવાનો પ્રયાસ કરો. એનાથી તમે તમારી માનસિક્તામાંથી બહાર આવશો તેમજ ન કહેવાયેલી મહત્વની માહિતી પણ જાણી શકશો. ત્યાર પછી તમે આ ઈચ્છાઓ અને જરૂરીયાતોનું નિરાકરણ કરી શકો છો જે સંબંધને વધુ બહેતર બનાવવામાં સહાયરૂપ થશે.

હવે પછી પર ધ્યાન કેન્દ્રિત કરો

યુગલોની બીજી સામાન્ય મુશ્કેલી છે કે તેઓ સતત ભૂતકાળને ઉજાગર કરીને તેને વર્તમાન સાથે જોડવાનો પ્રયાસ કરે છે. જ્યારે કોઈ વાતનું નિરાકરણ ન આવતું હોય, ત્યારે તે સતત બંને વચ્ચે ઉદ્ભવ્યા કરશે. અધૂરી બાબત પર ધ્યાન આપવા એક રીતે કુદરત સંદેશો આપતી હોય છે. પણ જો તમે સતત ભૂતકાળની બાબત યાદ કર્યા કરશો તો તમે એકમેકને બિનજરૂરી રીતે હાનિ પહોંચાડશો અને તમારા પાર્ટનરને વ્યથિત કરશો. ભૂતકાળ પર તમારું ધ્યાન કેન્દ્રિત થવાથી વર્તમાનને હાનિ પહોંચશે અને ભાવિ મુશ્કેલીમાં આવશે.

યોજના અને સહમતિ વિશે સ્પષ્ટતા જાળવો

આ બાબત જેટલી લાગે છે તેટલી સરળ નથી. ઘણા યુગલો પોતાને વ્યક્ત કર્યા પછી સ્પષ્ટ યોજના અને સહમતિ બનાવવામાં નિષ્ફળ જાય છે. એકવાર તમે મક્કમતા સાથે ચર્ચા કરી લીધી હોય અને ઉપર જણાવેલા પગલા સામેલ કર્યા હોય, પછી મહત્વનું છે કે તમે તેના પરિણામો વિશે સહમત થાવ. આ પગલું મહત્વનું એટલા માટે છે કારણ કે તેમાં અગાઉના તમામ પગલા સમાવિષ્ટ થઈ શકે છે અને તમારી વાતચીતને નક્કર સ્વરૂપ મળે છે. આ પગલુ લીધા વિના કોઈ નક્કર પરિણામ વિના ચર્ચા બંધ થઈ જાય છે.

યોગ્ય લાગે તો સમાધાન વિશે ચર્ચા કરો

મક્કમતાપૂર્વક કરાયેલી તમામ ચર્ચાનું પરિણામ સમાધાન સાથે આવે તે જરૂરી નથી. ચર્ચાની શરૂઆત સમાધાનની શક્યતા સાથે થાય તો તેના વિશે પણ ચર્ચા થાય તે સુનિશ્ચિત કરો. જો કે ઘણા યુગલો તાત્કાલિક સમાધાન કરવાના છટકામાં ફસાઈ જાય છે અને સાંભળવાના, સમજવાના તેમજ માન્ય કરવાના મહત્વના પગલા વિસરી જાય છે. આથી સમાધાન વિશે ચર્ચા કરવા અગાઉ આ તમામ તબક્કામાંથી પસાર થવાની ખાતરી કરવી જેથી મુદ્દાનું નિરાકરણ યોગ્ય રીતે થાય.

- ઉમેશ ઠક્કર

facebook twitter