લખનવી ચિકનના વસ્ત્રો .

06:41 PM Apr 15, 2024 |


- ગરમીમાં રાહતરૂપ પણ બારે મહિના પહેરી શકાય

એક જમાનો હતો જ્યારે ચિકન માટે હકોબા કંપનીનું નામ લેવાતું હતું અને ગરમીમાં લોકો હકોબાના કપડાંને પ્રાધાન્ય આપતા હતા. પરંતુ આજે ગરમીની મોસમ આવતા જ લોકો લખનવી ચિકનના કપડાંની ખરીદી કરવા નીકળી પડેલા જોવા મળશે. મોટાભાગનું ચિકન લખનૌથી આવતું હોવા છતાં બળબળતા ઉનાળાની ગરમીથી હાશકારો અનુભવવા દેશના સર્વ રાજ્યોના પાટનગરના રહેવાસીઓ પાસે લખનવી ચિકનનો સરેરાશે એક કૂરતો તો મળી જ રહેશે.

દિલ્હીમાં વસતી સીરૂપા સેન કહે છે, ''ચિકનના પંજાબી સ્યૂટ વગર દિલ્હીની ગ્રીષ્મ ઋતુની કલ્પના જ કરવી અશક્ય છે. ઉનાળો શરૂ થતા પહેલાં જ હું મારા કબાટમાં આછા રંગના ત્રણ-ચાર ચિકનના પંજાબી સૂટ વસાવી જ લઉં છું.'' જ્યારે બેંગલોરની રહેવાસી બિજોયની કહે છે, ''હું નૃત્યાંગના છું. આથી અમારે સતત નૃત્યની પ્રેક્ટિસ કરવી પડે છે અને ઉનાળામાં તો અમારી જે હાલત થાય છે એની વાત જ ન પૂછો. આથી જેવી પ્રેક્ટિસ પૂરી થઇ કે તરત જ હું ચિકનના સલવાર-કમીઝ પહેરી લઉં છું.

એ જ રીતે મુંબઇની કોલેજમાં અભ્યાસ કરતી દિવ્યાંગના મહેતા કહે છે, ''પરીક્ષા પૂરી થઇ એ જ દિવસે સૌપ્રથમ કામ મેં ઓપેરા હાઉસના લખનવી ચિકનની દુકાનમાં જઇ ચિકનના બે-ત્રણ પંજાબી સૂટ ખરીદવાનું કર્યું.''

આ અભિપ્રાય માત્ર ત્રણ યુવતીઓ પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ ગરમીથી ત્રાસેલા લાખો લોકોના અભિપ્રાયોનો પડઘો પાડે છે.

ચિકન કુરતા-કમીઝ અથવા સાડીઓ દર ઉનાળામાં વધુને વધુ પ્રખ્યાત બનતી જાય છે. વધુને વધુ લોકો આ પ્રત્યે આકર્ષાતા જાય છે. આ આકર્ષણમાંથી પુરૂષો પણ બાકાત રહ્યા નથી.

દિલ્હીમાં તો ઉનાળો શરૂ થતા પહેલાં જ ઠેકઠેકાણે લખનવી ચિકન કૂરતાં, કમીઝ કે સાડીના પ્રદર્શનો યોજવામાં આવે છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળે છે. દરેક પ્રદર્શનમાંથી વસ્ત્રો ચપોચપ ઉપડી જાય છે. નવી ફેશનોની ચિકનકારી ડિઝાઇન અને આકર્ષક રંગના વસ્ત્રો ખરીદવા પડાપડી થાય છે. ચિકનનું કામ જેટલું ઝીણવટભર્યું અને કલાત્મક તેટલી જ તેની કિંમત વધારે પરંતુ કિંમતની પડી છે કોને? સૌ કોઇની એ જ ખેવના હોય છે કે અમારી પાસે લખનવી ચિકન હોવું જોઇએ અને તે પણ આધુનિક.

વર્ષો પહેલા ચિકન ખરીદવા ક્યાં તો લખનૌની મુલાકાત લેવી પડતી હતી અથવા તો જૂની ફેશનની એકની એક ડિઝાઇનવાળા ચિકન કૂરતા-કમીઝ ખરીદવા પડતા હતા. પરંતુ આજે ગલીએ ગલીએ ફાટી નીકળેલી ચિકન કૂરતા - કમીઝની દુકાનોએ આ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે.

પરંતુ રૂ. ૪૫૦થી ૩૫૦૦ સુધીની કિંમતના લેબલ ધરાવતા ચિકનના સ્યુટ પાછળની વધતી જતી ઘેલછાનું કારણ શું છે? તેનો ઉત્તર પણ તૈયાર જ છે. આછા રંગમાં ઉપલબ્ધ આ કપડાં ગરમીની મોસમ માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આ કપડાં આરામદાયક છે અને ધોવામાં પણ આસાન છે.

ચિકન શેડો વર્કની સરખામણીમાં ટેપચી મોંઘા છે. ટેપચીનું કામ કરવા નિષ્ણાત લખનવી દરજીની જરૂર પડે છે. ટેપચીમાં ઊંધા-ચત્તાનો તફાવત મેળવવો ખૂબ જ અઘરો છે. ઉપરાંત ઘેરા રંગના વસ્ત્રો પર કરવામાં આવતાં મુરી ભરતકામ જોઇને આંખ ઠરી જાય છે. ચિકનમાં વધતી જતી હરિફાઇને કારણે બજારો નવા નવા કપડાં અને ડિઝાઇનોથી ઉભરાઇ રહ્યા છે અને ઉત્પાદકોને તડાકો પડયો છે. 

- જયવિકા આશર