ગરમીમાં તમે પહેરો, શીતળતા આપતા વસ્ત્રો

06:00 PM Apr 15, 2024 |


આ વર્ષે મુંબઈગરો શિયાળાની ફૂલગુલાબી ઠંડીનાં થોડાં ઘણા ચમકારા માણી શક્યો હતો. શીતળ હવાની લહેરખીના સ્પર્શે તન અને મનને રોમાંચિત કર્યું ન કર્યું એટલામાં તો શિયાળાની વિદાયનો સમય આવી ગયો. ઋતુનું ચક્ર ફરતું-ફરતું ફરી એકવાર કાળઝાળ ઉનાળો પર આવીને થોભી ગયું. ઉનાળાની ગરમીથી બચવા માટે ઉપયોગી થતાં કપડાથી બજારો ઉભરાવા લાગ્યા. ઉનાળાની ગરમીથી રક્ષણ મેળવવા માટે કયાં કપડા 'ઇન' છે એ માહિતી મેળવી ફેશનઘેલાઓ બજાર તરફ દોટ મૂકવા માંડયા છે.

ફેશનની વાત કરીએ  તો ઉનાળાની ફેશનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. વર્ષોથી ઉનાળા દરમિયા સુતરાઉ, ખૂલતાં તેમજ હળવા રંગના કપડ પહેરવામાં આવે છે. આ ઉપરાંત આજકાલ  ટી-શર્ટ પહેવાની ઘેલછા વધતી જાય છે. ઉનાળાના તાપમાં ટી-શર્ટ આદર્શ પુરવાર થાય છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. શોર્ટ્સ, મિનિ, માઈક્રોમિનિ, જીન્સ, ખૂલતાં પેન્ટ કે પછી ટ્રાઉઝર્સ સાથે ટોપ તરીકે તો ટી-શર્ટ જ પસંદ કરવામાં આવે છે.

જો કે ટી-શર્ટની ફેશન ઘણા વર્ષોથી યુવા વર્ગમાં પ્રચલિત છે. પશ્ચિમ દિશાના વાયરાએ ભારતના ફેશન જગતમાં પોતાનો પ્રભાવ દાખવવાની શરૂઆત કરી એ જમાનાથી ટી-શર્ટની ફેશન અસ્તિત્વમાં છે. જો કે ઉનાળા દરમિયાન પહેરાતા વસ્ત્રોમાં ટી-શર્ટનો વિકલ્પ મળવો મુશ્કેલ છે. આજના ટી-શર્ટ માત્ર કપડું જ રહ્યા નથી, પરંતુ જીવનની એક સ્ટાઈલ બની ગયા છે. ટી-શર્ટ પહેરવાને કારણે થતો શીતળતાનો અનુભવ બીજા વસ્ત્રોમાં મળવો મુશ્કેલ છે. તેના આ ગુણધર્મને કારણે વર્ષો સુધી ટી-શર્ટે લોકપ્રિયતાની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

આજકાલ તો ટી-શર્ટ પર તમને મનગમતી ડિઝાઈન, લોગો, સ્લોગન કે ચિત્ર તરત જ છાપી આપવામાં આવે છે. તમારી સર્જન શક્તિનો ઉપયોગ કરવાની તમને છૂટ મળે છે. જો કે આ દુનિયામાં કોઈ વસ્તુ મફત મળતી નથી. આ માટે તમારે તમારા ગજવાનો થોડો - ઘણો ભાર હળવો કરવાની તૈયારી રાખવી પડશે.

પસંદગીની આ સ્વતંત્રતા અને સર્જકવૃત્તિ ખીલવવા માટે મળતી તકને કારણે પણ ટી-શર્ટની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જ જાય છે. બાળકો અને યુવાનો તો ઠીક, પરંતુ વૃધ્ધો પણ ટી-શર્ટ પહેરવાનું પસંદ કરે છે.

પ્રિન્ટેડ-ટી- શર્ટ બાળકોમાં પ્રિય છે. જ્યારે ગોલ્ફર્સ, રમતગમતના શોખીનો તેમજ અલગ-અલગ પ્રસંગોના થીમ અનુસાર પણ તમને ટી-શર્ટ મળી રહે છે. વેલેન્ટાઈન ડે, ફાધર્સ-ડે, મધર્સ-ડે જેવા પ્રસંગે બજારમાં એક લટાર મારતા આ વાતની સાબિતી મળી રહેશે. કૉમ્પ્યુટરના આગમન સાથે પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં પણ ઘણો ફેરફાર આવી ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ટૂંકા ટી-શર્ટની પણ ફેશન છે.

આપણા બૉલીવૂડી કલાકારો પણ ટી-શર્ટના પ્રભાવથી બચવા પામ્યા નથી. મોટાભાગની ફિલ્મોના હીરો-હીરોઇન જીન્સ કે મિનિ પર ટી-શર્ટ પહેરીને નાચતા જોવા મળે છે. શર્ટ કાઢવા માટે પંકાયેલો સલમાન ખાન તેના સ્નાયુબધ્ધ બાવડાંનું પ્રદર્શન ટૂંકી બાંયના ટી-શર્ટ પહેરીને જ કરે છે. ઉનાળા દરમિયાન બાંય વગરનાં ગંજીફરાક જેવાં ટી-શર્ટ પહેરીને બહાર નીકળતી યુવતીઓની સંખ્યા પણ ખાસ્સી મળી આવશે.

ટી-શર્ટ પ્રત્યે ખાસ અનુરાગ ન ધરાવતી નારીઓ આ મોસમમાં હળવા રંગના ખુલતા ચુડીદાર કુરતા પહેરવાનું પસંદ કરશે.

ઉનાળા દરમિયાન ફેશનપરસ્ત યુવતીઓ ઝાઝો મૅકઅપ કરવાની લપ્પન-છપ્પન કરતી નથી. પ્રસ્વેદને કારણે મેકઅપ ધોવાઈ જતો હોવાને કારણે આ મોસમમાં બને તેટલો ઓછો મેકઅપ કરવામાં જ શાણપણ છે. જો કે બજારમાં, પ્રસરે નહીં તેવા સૌંદર્યપ્રસાધનો ઉપલબ્ધ છે. આ પ્રસાધનો ખરીદવાની ત્રેવડ હોય તો મેકઅપનો શોખ પૂરો કરી શકાય છે, પરંતુ સામાન્ય સંજોગોમાં તો હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકાઈ ન જવું પડે માટે હળવો મૅકઅપ જ કરવા.