યુવાન મોટાબાપુના દિકરા સાથે મામાદેવના મંદિરે જઈ રહ્યો હતો
ચૂંટણીમાં મતદાન અને પોલીસ કેસમાં કહે તેમ જ નિવેદન આપવાનું કહીં ધમકી આપી
ભાવનગર: તળાજા તાલુકાના ભાલર ગામે મોટાબાપુના દિકરા સાથે મામાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક યુવાનને પાંચ શખ્સે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
બનાવ અંગે ઉપલબ્ધ વિગત અનુસાર તળાજાના ભાલર ગામે રહેતા વિજયસિંહ મહીપતસિંહ ગોહિલ (ઉ.વ.૨૬) ગત તા.૧૦-૪ના રોજ મોડી રાત્રિના સમયે તેમના મોટાબાપુના દિકરા પ્રદીપસિંહ બબુભા સાથે બાઈક લઈને મામાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે તેજ ગામે રહેતો પૃથ્વીરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ જીતુભા ગોહિલ અને જનકસિંહ અનુભા ગોહિલ નામના શખ્સોઓ પાઈપ, લાકડી લઈ આવી વિજયસિંહને માર મારી ચૂંટણીમાં અમે કહીંએ ત્યાં જ મતદાન કરજે તેમ કહ્યું ઝઘડો કરી નાસી ગયા હતા. થોડા સમય બાદ ઓમદેવસિંહ વનુભા ગોહિલ અને કિશોરસિંહ અમુભા ગોહિલ નામના શખ્સોએ આવી યુવાનને ગાળો દઈ જો તું જૂના કેસો ચાલે છે, તેમાં અમે કહીંએ તેમ નિવેદન નહીં આપે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ઢીકાપાટુંનો માર મારી નાસી ગયા હતા. આ બનાવ અંગે યુવાન વિજયસિંહ ગોહિલે પૃથ્વીરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ જીતુભા ગોહિલ, જનકસિંહ અમુભા ગોહિલ, ઓમદેવસિંહ વનુભા ગોહિલ અને કિશોરસિંહ અમુભા ગોહિલ (રહે, તમામ ભાલર) નામના શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવતા તળાજા પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.