ઘઉં વેચવાની ના પાડતા પ્રથમ યુવતી સાથે ઝઘડો કર્યો
ચારેય શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપી, ઈજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે ઘઉં વેચવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ પ્રથમ યુવતી સાથે ઝઘડો કર્યા બાદ તેમના બે ભાઈ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
બનાવની મળતી વિગત અનુસાર રાણપુરના ખસ ગામે રહેતા દિનેશભાઈ પ્રભુભાઈ ગોહિલ (ઉ.વ.૩૦)ના બહેન સજનબેન, મામી નયનાબેન હકુભાઈ કોતરા (રહે, મોઢેકા, તા.વીછિંયા, જિ.રાજકોટ) ગઈકાલે સોમવારે ઘરે હતા. ત્યારે મુકેશ રામજીભાઈ, પુના જીવાભાઈ અને ભીમા નામના શખ્સે ઘરે આવી ઘઉં વેચવાના છે ? તેમ કહેતા સજનબેનએ ઘઉં વેચવાની ના પાડી હતી. જેથી શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સજનબેન સાથે બોલાચાલી કરતા તેમના ભાઈ મુકેશભાઈએ ઝઘડો કરવાની ના પાડતા તેમને લોખંડના પાઈપ અને ઢીકાપાટુંથી માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. ત્યારબાદ દિનેશભાઈ ગોહિલ અને તેમના નાનાબેન હેતલબેન વાડીએથી બાઈક લઈ ઘરે આવી રહ્યા હતા. ત્યારે ચુંવાળિયાવાડામાં બેન્ક ઓફ બરોડાની પાછળ પહોંચતા મુકેશ, પુના, આલા અને ભીમા નામના શખ્સોએ બોલાચાલી કરી માથાના ભાગે લોખંડના પાઈપ મારી દઈ ઈજા કરી હતી. આ મારામારીના બનાવમાં ઘવાયેલા બન્ને ભાઈને બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે દિનેશભાઈ ગોહિલે નોંધાવેલી ફરિયાદના આધારે રાણપુર પોલીસે ચારેય શખ્સ સામે આઈપીસી ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.