+

રૂપાલા વિવાદ ભાજપના અન્ય ઉમેદવારોને નડવાનું શરૂ, અહીં કાળા વાવટા સાથે ક્ષત્રિયોનો સૂત્રોચ્ચાર


Lok Sabha Elections 2024 | રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈ રાજ્યભરમાં ફેલાયેલી વિરોધરૂપી જવાળાઓએ આજે ગોહિલવાડને પણ દઝાડયું હતું. ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની નામાંકન પત્ર પૂર્વે યોજાયેલી સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોનો એક સમૂહ દોડી આવ્યો હતો અને કાળા વાવટા ફરકાવી રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતાં તો તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષે અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે મંચ પર ધસી જઇ જિલ્લા ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામુ ધરી દિધું હતું.

ભાવનગર લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની દાવેદારી પૂર્વે શહેરના એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓ, શુભેચ્છકોની હાજરીમાં  વિશાળ સભા-સંમેલન યોજાયું હતું. આ સભા-સંમેલન શરૂ થયાના ગણતરીની મિનિટોમાં જ કાળો શર્ટ પહેરી હાથમાં કાળા વાવટા લઈ ૩૦થી વધુ ક્ષત્રિય યુવાનોનું ટોળું સભા સ્થળે ધસી આવ્યું હતું. જો કે, તમામ મંચ સુધી પહોંચે તે પૂર્વે સ્થળ પર હાજર પોલીસે તમામને અટકાવી દિધા હતાં.

સમૂહમાં આવેલા યુવાનોના ટોળાએ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં જેને લઈ થોડા સમય માટે સ્થાનિક કક્ષાએ વાતાવરણ તંગ બની ગયું હતું. આ પણ અધુરૂં હોય તેમ તળાજા તાલુકા ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ મંચ પર ધસી આવ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.

મકવાણાને પદ પરથી રાજીનામું આપતો કાગળ સુપ્રત કરી ખેસ ઉતારી દિધો હતો. ઉલ્લેખનીય છે કે, રૂપાલાની ટિપ્પણીના વિરોધમાં તાજેતરમાં શહેરના દરબાર બોર્ડિંગ ખાતે યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં રવિરાજસિંહે સમાજ માટે પાર્ટીના હોદ્દાનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. જે જાહેરાત મુજબ આજે તેમણે રાજીનામુ ધરી દિધું હતું. પોલીસે મંચ પર ગયેલા ભાજપના યુવા નેતા સાથે ૩૩થી વધુ ક્ષત્રિય યુવાનોને ડીટેઈન કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું.

facebook twitter