અમદાવાદ, સોમવાર, 15 એપ્રિલ,2024
અમદાવાદના સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૮૫ જેટલા કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ આવેલા છે.આ પૈકી અડધો ડઝનથી વધુ હોલ,પાર્ટી પ્લોટમાં એક વર્ષમાં એક પણ બુકીંગ કરવામાં આવ્યુ નથી.રાયપુરમાં આવેલ તલાટી હોલ દસ વર્ષથી જયારે એલિસબ્રિજ વિસ્તારનો ટાઉનહોલ એક વર્ષથી રીપેરીંગના નામે બંધ હાલતમાં છે.
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭, પશ્ચિમ ઝોનમાં ૧૯, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અનુક્રમે ૧૭-૧૭ મ્યુનિ.હસ્તકના કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ આવેલા છે.મધ્યઝોન અને ઉત્તરઝોનમાં અનુક્રમે ૧૧-૧૧ કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ આવેલા છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ આવેલા છે.આ પૈકી અડધો ડઝનથી વધુ કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ માટે છેલ્લા એક વર્ષના સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પણ દિવસનુ બુકીંગ મળી શકયુ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના દ્વારા નાગરિકોને આપવામા આવતી સેવાઓ પૈકી મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરવામા આવી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.બીજી તરફ કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ માટે સમય અગાઉ બુકીંગ કરાવ્યા બાદ પણ એજ તારીખે અન્યના નામે કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ બુકીંગ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ મ્યુનિ.તંત્રને મળી રહી છે.લગ્નસરા કે અન્ય કારણથી લોકો મ્યુનિ.હોલ કે પાર્ટી પ્લોટ પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી અગાઉથી બુક કરાવતા હોય છે.
કયા-કયા હોલમાં એવરેજ શૂન્ય બુકીંગ
નામ બુકીંગના દિવસ
સૈજપુર કોમ્યુ.હોલ ૦૦
કર્મવીર પાર્ટી પ્લોટ ૦૦
લીલાધર ભટ્ટ હોલ ૦૦
વસાવડા પાર્ટી પ્લોટ ૦૧
જોધપુર આર્ટ ગેલેરી ૦૦
પ્રફુલ બોરોટ હોલ ૦૦
થલતેજ ૦૫
ઓઢવ કોમ્યુ.હોલ ૦૬
પંડિત દિનદયાલ હોલમાં માત્ર ૩૧ દિવસ બુકીંગ
રાજપથ કલબની પાછળ એસ.જી.હાઈવે ઉપર આવેલા પંડિત દિન દયાલ હોલને વર્ષમાં માત્ર ૩૧ દિવસનું બુકીંગ મળ્યુ હતુ.બોડકદેવ વોર્ડમાં આવેલા ભાસ્કરરાય પંડયા કોમ્યુનિટી હોલને વર્ષમાં માત્ર ૩૫ દિવસ બુકીંગ મળ્યુ હતુ.