+

રામોલમાં સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહેલી બાળકીનું કારની ટક્કરથી મોત

અમદાવાદ,મંગળવાર 

પૂર્વ વિસ્તારમાં અકસ્માત અને હિટ એન્ડ રનના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રામોલમાં ગઇકાલે સાંજે સોસાયટીમાં પૂર ઝડપે કાર હંકારીને કાર ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં સોસાયટીમાં માસૂમ બાળકી રમી રહી હતી ત્યારે ટક્કર મારી મોતને ઘાટ ઉતારી કારનો ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોસાયટીમાં બેફામ કાર હંકારી પરિવારજનનોની નજર સામે દીકરીને ટક્કર મારી કારનો ચાલક ભાગી ગયો ઃ  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ કેસની વિગત એવી છે કે રામોલના રહેતા યુવકના પરિવારજનો ગઇકાલે સાંજે સોસાયટીના કોમન પ્લોટમાં હાજર હતા જ્યાં બાળકો રમતા હતા. આ સમયે એક કાર ચાલક પૂર ઝડપે સોસાયટીમાં કાર લઈને આવ્યો હતો અને ફરિયાદીની ચાર વર્ષની દિકરીને ટક્કર મારી હતી. જેથી તે જમીન ઉપર પડી ગઇ હતી તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી.

 બીજીતરફ અકસ્માત બાદ કાર ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારીને ભાગી ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈને  બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે તે પહેલા જ માથામાં ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

facebook twitter