+

રાજકોટમાંથી એક જ દિવસમાં બે પિસ્તોલ સાથે બે ઝડપાયા


ક્રાઇમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસની કામગીરી

બંને આરોપીઓએ સપ્લાયર તરીકે મૃત વ્યક્તિઓના નામ આપ્યા ! 

રાજકોટ: રાજકોટમાંથી ગઇકાલે એક જ દિવસમાં ક્રાઇમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસે બે શખ્સોને હથિયાર સાથે ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે. બંને કેસમાં સપ્લાયર તરીકે મૃત વ્યક્તિઓના નામ ખૂલ્યા છે.

ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે પીઠડઆઈ સોસાયટી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે જયસુખ ઉર્ફે જશો વલ્લભ વાઘેલા (ઉ.વ.૩૫, રહે. નકલંક સોસાયટી શેરી નં. ૧, માંડાડુંગર)ને ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી ખેતીકામ કરે છે. અગાઉ અંગ્રેજી દારૂના જથ્થા સાથે પકડાઇ ચૂક્યો છે. હાલમાં આજી ડેમ પોલીસ મથકનાં મારામારીના ગુનામાં વોન્ટેડ હતો. 

પૂછપરછમાં પોતાના દાદા કે જે હાલ હયાત નથી તેની આ પિસ્તોલ હોવાનું રટણ કરી રહ્યો છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે ભક્તિનગર પોલીસે હુડકો ચોકડી નજીકની સિધ્ધાર્થ સોસાયટી પાસેથી ગઇકાલે મોડીરાત્રે દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે સોહીલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા (ઉ.વ.૨૪, રહે. બુધ્ધનગર-શાપર)ને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી માછલી વેચવાનો ધંધો કરે છે. અગાઉ કોઇની સાથે માથાકૂટ થઇ હોવાથી સેફટી ખાતર પિસ્તોલ રાખતો હોવાનું રટણ કરી રહ્યો છે. રાજકોટમાં તેના સંબંધીને મળવા આવ્યો હતો. ત્યારે ઝપટે ચડી ગયો હતો. પૂછપરછમાં સપ્લાયર તરીકે હત્યા કરાયેલા શખ્સનું નામ આપી રહ્યો છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

facebook twitter