દારૂ-બુટલેગર પકડવા મહુવા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ વચ્ચે કાચબા-સસલાની સ્પર્ધા
૩૬ બોટલ સાથે ઝડપાયેલા મહુવાના 'કાળિયા'ને સાથે રાખી પોલીસ તેના ભાગીદાર 'સચીન'ના ઘરે પહોંચી ત્યારે એલસીબીની રેઈડ કાર્યવાહી શરૂ હતી
કતપરના શખ્સના મકાનમાંથી દારૂની ૩૮૪ બોટલ કબજે લેવાઈ, મહુવાનો બુટલેગર દારૂનો જથ્થો આપી ગયાની કબૂલાત
ભાવનગર: મહુવા પંથકમાં દારૂ અને બુટલેગર પકડવા માટે મહુવા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ વચ્ચે કાચબા-સસલાની સ્પર્ધા ચાલી હોય, તેમ મહુવા પોલીસે એક શખ્સને સાથે રાખી કતપર ગામના બુટલેગરના ઘરે દારૂની રેઈડ પાડવા પહોંચી હતી. તે પહેલા જોગાનુજોગ ક્રાઈમ બ્રાંચની ટીમની રેઈડ કાર્યવાહી શરૂ હતી અને એલસીબીએ દારૂની ૩૮૪ બોટલ સાથે કતપરના 'સચીન'ને ઉઠાવી લીધો હતો. જેની પૂછતાછમાં દારૂનો જથ્થો મહુવાનો બુટલેગર આપી ગયાનું બહાર આવ્યું છે.
બનાવની મળતી વિગત અનુસાર મહુવા શહેરના જનતા પ્લોટમાં રહેતો બિપીન ઉર્ફે કાળિયો ચંદુભાઈ સોલંકી અને કતપર ગામનો સંજય ઉર્ફે સચીન નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાં વિલાયતી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે આજે મંગળવારે બપોર ૧૨-૪૫ કલાકે મહુવા પોલીસના સ્ટાફે બિપીન ઉર્ફે કાળિયો સોલંકીના ઘરે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે ધરપકડ કરી પંચનામું સહિતની કાર્યવાહી પૂરી કર્યા બાદ પંચો અને ઝડપાયેલા બિપીન ઉર્ફે કાળિયાને સાથે રાખી કતપર ગામે સંજય ઉર્ફે સચીન બારૈયાના ઘરે રેઈડ કરવા મહુવા પોલીસની ટીમે પહોંચી હતી. પરંતુ ભાવનગર એલસીબીને પણ બિપીન ઉર્ફે કાળિયો સોલંકી ઝડપાયાની ૧૫ મિનિટમાં જ બાતમી મળી ચુકી હોય, લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સવા એક વાગ્યે કતપર ગામે હનુમાન શેરીમાં સંજય ઉર્ફે સચીન મગનભાઈ બારૈયા નામનો બુટલેગરના મકાનમાં દરોડો પાડયો હતો અને મહુવા પોલીસ હજુ પહોંચી ત્યાં એલસીબીએ રેઈડ કાર્યવાહી કરી વિલાયતી દારૂની નાની-મોટી બોટલ નં.૩૮૪ (કિ.રૂા.૮૭,૯૮૪) સાથે સંજય ઉર્ફે સચીન બારૈયાની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો મહુવાનો બુટલેગર ઈરફાન ઉર્ફે ધમો અહેમદભાઈ શેખ નામનો શખ્સ આપી ગયાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ સંજય ઉર્ફે સચીન બારૈયા અને ઈરફાન ઉર્ફે ધમો શેખ નામના બુટલેગરો સામે મહુવા પોલીસમાં પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે મહુવાના શખ્સ બિપીન ઉર્ફે કાળિયો સોલંકી સામે મહુવા પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.