વ્હેલી સવારે બહાર જવા નિકળતા મોત સામે આવ્યું
વન વિભાગે તાકીદે સંવેદન શીલ વિભાગમાં બે પાંજરા ગોઠવ્યા : વિસ્તારમાં ભયનો માહોલ
પાલિતાણા: પાલિતાણાના આદપુર ગામે વાડી વિસ્તારમાં વ્હેલી પરોઢે દીપડો આવી ચડયો હતો. જ્યારે સ્થાનિક મહિલા કુદરતી હાજતે ગયેલ હોય દરમિયાન આ માનવભક્ષી દિપડાએ હુમલો કરી મહિલાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેની જાણ થતા મહિલાને ભાવનગર ખસેડેલ. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે વન વિભાગે આજે વિસ્તારમાં બે પાંજરા ગોઠવી આ દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ રાની પશુઓ ડુંગરો છોડી માનવ વસાહત સુધી આવી પહોંચવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે અને આ પશુઓની રંજાડ માનવ વસાહતને નડી રહી છે. માનવ મોતનો એક બનાવ વધુ પ્રકાશમાં આવ્યો છે. જે મુજબ પાલિતાણા તાલુકાના આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોબરભાઇ મકવાણાના પત્ની કાંતુબેન (ઉ.વ.૫૫) આજે વ્હેલી સવારે નિત્ય ક્રમ મુજબ કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન ઓચિંતા દીપડાએ હુમલો કરતા કાંતુબેનના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયો હતો. જોકે બનાવની જાણ થતા પરિવારજનો દ્વારા તુર્ત જ સારવાર માટે ભાવનગર ખસેડાયેલ. જોકે સારવાર દરમિયાન બે પૂત્રની માતાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. વન વિભાગે પંચ રોજકામ કરી આગળની કાર્યવાહી કરી હતી. જોકે આ માનવભક્ષી દિપડાને ઝડપવા વન તંત્ર દ્વારા આ વિસ્તારમાં અલગ અલગ સ્થળે બે પાંજરા ગોઠવ્યા હોવાનું જણાયંુ છે. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી આદપુર, ઘેટી, કંજરડા, નાનીમાળ જેવા અનેક ગામો રાની પશુઓના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે આ દીપડાને પાંજરે પુરી દુર કરવા વ્યાપક માંગણી ઉઠવા પામી છે.
બે પૂત્રએ માતાની છત્રછાયા ગુમાવી ડુંગરોમાં તળાવ સહિતનાં પાણીના સ્ત્રોત ખુટતા માનવ વસાહત તરફ કૂંચ
શહેર અને માનવ વસાહતમાં દીપડો ઘુસી જવાના અવારનવાર બનાવ બનવા પાછળ ડુંગરોમાં આવેલ તળાવો અથવા પાણીના કુદરતી સ્ત્રોત મોટાભાગે ઉનાળામાં ખાલી બન્યા છે. ત્યારે પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં નિયત જગ્યાએ પુરા પાડવામાં આવે તો માનવ વસાહત તરફ રાની પશુ આવી ચડવાની ઘટનામાં ઘટાડો થાય અને નાના મોટા મારણ અટકે તેમજ માનવ જીંદગી બચાવી શકાય. જોકે જંગલ ખાતા દ્વારા સંરક્ષણ પાછળ સરકાર કરોડોનો ખર્ચ ફાળવે છે. ત્યારે આ દિશામાં જો ખર્ચ થાય તો માનવ જીંદગી પણ બચાવી શકાય.