'બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા, ભાજપ ધ્યાન ભટકાવવામાં વ્યસ્ત..' I.N.D.I.A.ના નેતા વરસ્યાં

10:17 AM Apr 17, 2024 |


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024 માં પીએમ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન તથા I.N.D.I.A. ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ વખતે મોદી સરકારના વિજયી રથને રોકવા માટે I.N.D.I.A.ના સહયોગી પક્ષોએ પણ કમર કસી લીધી છે. આ જ ક્રમમાં આજે ફરી એકવાર I.N.D.I.A.ના નેતાઓ દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી. 

ભાજપ અને મોદી સરકાર સામે તાક્યું નિશાન 

આ સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત અન્ય સહયોગી નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં અખિલેશ યાદવે ભાજપને ઘેરતાં સવાલોનો મારો ચલાવ્યો હતો. અખિલેશે કહ્યું કે ચૂંટણી બોન્ડે ભાજપની બેન્ડ વગાડી દીધી. ડબલ એન્જિનની સરકારમાં હોર્ડિંગ્સ પર માત્ર એક જ ચહેરો જોવા મળી રહ્યો છે. 

રાહુલ ગાંધીએ પણ કર્યા પ્રહાર 

આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાજપને સવાલ પૂછ્યો કે જો ચૂંટણી બોન્ડ યોગ્ય જ હતું તો પછી સુપ્રીમકોર્ટે તેને રદ કેમ કર્યા? જે લોકોએ ભાજપને હજારો કરોડો રૂપિયા આપ્યા તેના વિશે વિગતો કેમ છુપાવાઈ? કંપનીઓને હજારો કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે અને તેના તાત્કાલિક બાદ તે કંપનીઓ ભાજપને ડોનેશન આપે છે. હાલમાં બેરોજગારી, મોંઘવારી મુખ્ય મુદ્દા છે છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે. ખેડૂતો પણ પરેશાન છે. તેમને એમએસપી નથી મળી રહી.