Lok Sabha Elections 2024: દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા તમામની નજર ઉત્તર પ્રદેશની 80 સીટો પર છે. અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ત્રણેય પક્ષોએ તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશની તમામ બેઠકોનો અંતિમ ઓપિનિયન પોલ આવી ગયો છે. એબીપી ન્યૂઝ સી વોટર સરવે મુજબ બહુજન સમાજ પાર્ટીને ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA 50 ટકાથી વધુનો આંકડો હાંસલ કરી શકે છે.
NDAને 51 ટકા વોટ મળી શકે: સરવેમાં દાવો કરાયો
આ સરવેમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સ માટે સારા સંકેત દેખાતો નથી. દાવો કરવામાં આવે છે કે NDAને 51 ટકા વોટ મળી શકે છે, જ્યારે ગઠબંધન ઈન્ડિયાને 38 ટકા વોટ મળી શકે છે. તો બસપાને માત્ર 4 ટકા વોટ મળવાની આશા છે. આ ઉપરાંત અન્યના ખાતમાં 7 ટકા મત જઈ શકે છે.
કોને કેટલી બેઠકો મળશે?
બેઠકો મુજબ વાત કરીએ તો સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 73, સપા-કોંગ્રેસને સાત બેઠકો મળી શકે છે. એટલે કે ઉત્તર પ્રદેશમાં બીએસપીનું ખાતું ખૂલતું દેખાઈ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે અને છેલ્લા તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો: દક્ષિણ ભારતના બે મોટા રાજ્યોમાં NDAનું ખાતું પણ નહીં ખુલે