મુંબઈ : ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ ફાટી નીકળવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે ફંડોએ ઓફલોડિંગ કર્યું હતું. ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા , ટીસીએસ સહિતમાં મોટી વેચવાલી અને બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિતમાં હેમરીંગે અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં સેલિંગે સેન્સેક્સે આજે ૭૩૦૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૭૨૬૮૫.૦૩ સુધી ખાબકી અંતે ૪૫૬.૧૦ પોઈન્ટ તૂટીને ૭૨૯૪૩.૬૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૨૦૭૯.૪૫ સુધી ખાબકી અંતે ૧૨૪.૬૦ પોઈન્ટ ઘટીને ૨૨૧૪૭.૯૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સ તેની ૯, એપ્રિલ ૨૦૨૪ની સર્વોચ્ચ સપાટી ૭૫૧૨૪.૨૮થી ચાર ટ્રેડીંગ દિવસમાં જ ૨૧૮૧ પોઈન્ટ એટલે કે ત્રણ ટકા તૂટી ગયો છે. ૧૭, એપ્રિલ ૨૦૨૪ના બુધવારે રામનવમી નિમિતે શેર બજારો બંધ રહેશે.
આઈટી ઈન્ડેક્સ ૮૧૭ ગબડયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓમાં બિઝનેસ વૃદ્વિ મંદ પડી રહી હોઈ કર્મચારીઓને છુટ્ટા કરવાની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવા સાથે નફાશક્તિ ભીંસમાં આવવાના વૈશ્વિક જાયન્ટોના અંદાજોએ શેરોમાં આજે ફંડોએ આક્રમક વેચવાલી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૧૬.૮૯ પોઈન્ટ તૂટીને ૩૪૪૦૦.૨૧ બંધ રહ્યો હતો. રામકો સિસ્ટમ રૂ.૧૯.૮૫ તૂટીને રૂ.૩૮૬, ઈન્ફોસીસ રૂ.૫૩.૫૫ તૂટીને રૂ.૧૪૧૪.૭૫, એમ્ફેસીસ રૂ.૮૬.૨૫ તૂટીને રૂ.૨૩૦૮.૫૦, કોફોર્જ રૂ.૧૮૩.૭૦ તૂટીને રૂ.૫૨૧૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૪૭.૧૫ ઘટીને રૂ.૪૬૬૬, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૧૩૫.૬૫ ઘટીને રૂ.૫૩૧૬, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૯૫.૪૫ ઘટીને રૂ.૭૮૬૧, ટેક મહિન્દ્રા રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૧૧૯૬, ટીસીએસ રૂ.૬૯.૩૫ ઘટીને રૂ.૩૮૭૨.૩૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૯.૧૫ ઘટીને રૂ.૧૪૭૬.૩૦ રહ્યા હતા.
ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ધોવાણ
ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે તેજીના વળતાં પાણી થતાં જોવાઈ વ્યાપક વેચવાલી નીકળી હતી. બજાજ ટ્વિન્સ શેરો બજાજ ફિનસર્વ રૂ.૩૮.૨૫ ઘટીને રૂ.૧૬૧૯.૦૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૨૭.૬૫ ઘટીને રૂ.૬૯૪૭.૩૫ રહ્યા હતા. આ સાથે પીએનબી રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૨૮.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૮.૦૫ ઘટીને રૂ.૧૪૯૦.૭૫, આરબીએલ બેંક રૂ.૭.૬૫ ઘટીને રૂ.૨૪૩.૩૦, ક્રિસિલ રૂ.૧૪૫.૧૫ ઘટીને રૂ.૪૬૯૦, આનંદ રાઠી રૂ.૧૦૫.૪૫ ઘટીને રૂ.૪૦૮૪.૭૫, આઈઆઈએફએલ રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૨૧.૭૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોનું સિલેક્ટિવ વેલ્યુબાઈંગ થયું હતું. માર્કસન્સ રૂ.૨૦.૬૦ ઉછળીને રૂ.૧૭૬.૫૦, જગસોનપાલ ફાર્મા રૂ.૩૫.૨૫ વધીને રૂ.૩૨૩.૦૫, શિલ્પામેડી રૂ.૩૧.૨૫ વધીને રૂ.૫૪૦.૪૫, સોલારા રૂ.૨૪ વધીને રૂ.૪૨૨.૭૫, એનજીએલ ફાઈન રૂ.૧૨૭.૬૦ વધીને રૂ.૨૨૬૪.૩૫, ન્યુલેન્ડ લેબ રૂ.૪૧૪.૯૫ વધીને રૂ.૭૫૧૯.૯૦, લૌરસ લેબ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૪૪૨.૮૫, કોપરાન રૂ.૬.૭૦ વધીને રૂ.૨૬૬.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓનું પસંદગીનું ખરીદીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૭૭ અને ઘટનારની સંખ્યા ૧૬૩૮ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૫૭.૧૧ પોઈન્ટ વધીને ૪૫૪૨૩.૯૮ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૨૧.૬૪ પોઈન્ટ વધીને ૪૦૩૧૫.૩૬ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપતિ રૂ.૨૩ હજાર કરોડ ઘટી
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ સામે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨૩ હજાર કરોડ ઘટી જઈને રૂ.૩૯૪.૨૫ લાખ કરોડ રહ્યું હતું.
DIIની રૂ.૨૦૪૦ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૪૪૬૮.૦૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૦૪૦.૩૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.