![]() |
Image: Istock |
Gold Prices In Ahmedabad: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસી રહેલી સ્થિતિને પગલે કિંમતી ધાતુની તેજીમાં વધારો થયો છે. અમદાવાદ ખાતે આજે સોનુ રૂ. 500 વધી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યું છે, જ્યારે હાજર ચાંદી ફરી રૂ. 1000 વધી રૂ. 84000 પ્રતિ કિગ્રાના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી છે. મધ્ય-પૂર્વ દેશો વચ્ચે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ડોલરની સાથે સાથે કિંમતી ધાતુમાં પણ રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે.
એપ્રિલમાં ચાંદી રૂ. 8000 વધી
એપ્રિલ માસમાં અત્યારસુધીમાં હાજર ચાંદીની કિંમત રૂ. 8000 પ્રતિ કિગ્રા વધી છે, જ્યારે સોનાની કિંમત રૂ. 5000 પ્રતિ 10 ગ્રામ વધી છે. ચાંદીની તેજીને ધ્યાનમાં લેતાં કોમોડિટી નિષ્ણાતો ચાંદીનો ભાવ રૂ. 100000 પ્રતિ કિગ્રાની સપાટી વટાવે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
કિંમતી ધાતુમાં તેજી જળવાઈ રહેશે
મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) રાહુલ કલંતરી જણાવે છે, વર્તમાન સંજોગોમાં વૈશ્વિક રોકાણકારો ભયભીત થયા છે. તેઓ જોખમી અસ્કયામતોને બદલે સોના અને ચાંદી જેવી સલામત સંપત્તિમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. આ કારણે ડૉલર ઇન્ડેક્સની મજબૂતાઈ છતાં કિંમતી ધાતુની ચમક વધી રહી છે.
સ્પોટ ગોલ્ડ માટે સપોર્ટ લેવલ $2366-$2348 અને રેજિસ્ટન્સ લેવલ $2405 - $2422, જ્યારે ચાંદી માટે સપોર્ટ લેવલ $28.40-$28.20 અને રેજિસ્ટન્સ લેવલ $28.90-$29.12 નિર્ધારિત કર્યું છે. એમસીએક્સ સોનાને રૂ. 71,980 અને રૂ. 71,750 પર સપોર્ટ મળી રહ્યો છે જ્યારે રેજિસ્ટન્સ રૂ. 72,480 અને રૂ. 72,710 પર છે. ચાંદીની વાત કરીએ તો, તેને રૂ. 83,140- રૂ. 82,380 પર સપોર્ટ અને રૂ. 84,640 અને રૂ. 85,280 પર રેજિસ્ટન્સ જોવા મળ્યું છે.
વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં પ્રોફિટ બુકિંગ શરૂ
યુએસ ફેડ દ્વારા રેટ કટમાં વિલંબ થવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે યુએસ ટ્રેઝરી યીલ્ડ વધી પાંચ માસની ટોચે પહોંચી છે. તેની અસર સ્પોટ ગોલ્ડ અને સ્પોટ સિલ્વર પર જોવા મળી હતી. તદુપરાંત સોનું આજે 1.7 ટકા ઉછાળા રેકોર્ડ ટોચની નજીક પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતાં ઘટી 2372.27 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું.