+

ઈરાન તથા ઈઝરાયલ તંગદિલી : મધ્ય પૂર્વમાં ડાયમન્ડની નિકાસ રૂંધાવાની વકી


મુંબઈ : રશિયા - યુક્રેન યુદ્ધ બાદ હવે ઈરાન તથા ઈઝરાયલ વચ્ચેની તંગદિલીને પરિણામે ભારત ખાતેથી મધ્ય પૂર્વના દેશોમાં કટ તથા પોલીશ્ડ ડાયમન્ડસની નિકાસ પર અસર પડવાની ચિંતા ઊભી થઈ છે. બીજી બાજુ યુરોપ તથા અમેરિકા પણ ભારત પાસેથી રશિયાના ડાયમન્ડસની ખરીદી કરવાનું નકારી રહ્યા છે અને દરેક  પ્રકારના ડાયમન્ડસના ઓરિજિનનું પ્રમાણપત્ર ઈચ્છી રહ્યા છે.  ભારતની ડાયમન્ડસની કુલ નિકાસમાંથી ૧૫ ટકા જેટલી નિકાસ મધ્ય  પૂર્વના વિસ્તારમાં થાય છે એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

યુક્રેન પર આક્રમણને પગલે પશ્ચિમી દેશો દ્વારા રશિયાના ડાયમન્ડસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે ૧લી માર્ચથી એક કેરેટથી વધુના ડાયમન્ડસ પર પ્રતિબંધ મુકાયો છે અને એક કેરેટથી નીચેના ડાયમન્ડસ પર ૧લી સપ્ટેમ્બરથી આ ધોરણ લાગુ થનાર છે, પરંતુ યુરોપ તથા અમેરિકાના ડાયમન્ડસ ખરીદદારો એક કેરેટથી નીચેના ડાયમન્ડસ માટે પણ ઓરિજિનના પુરાવા માગવામાં આવી રહ્યા છે જેને કારણે ભારતના ડાયમન્ડસ નિકાસકારોમાં મુંઝવણ ઊભી થઈ છે.

જી૭ દેશોના અનેક ડીલરો તથા જ્વેલર્સ ઓરિજિનના પુરાવા વગર ભારત પાસેથી પોલીશ્ડ ડાયમન્ડસ લેવાનું નકારી રહ્યા છે. આને પરિણામે ઊભી થયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજુઆત કરાઈ હોવાનું કાઉન્સિલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

આ મુંઝવણ તથા ભૌગોલિક-રાજકીય તાણને પરિણામે એપ્રિલમાં ભારતની ડાયમન્ડસની નિકાસ પર અસર દેખાઈ રહી છે. નવા ધોરણ પ્રમાણે ૧લી માર્ચથી અમેરિકા અને યુરોપે રશિયાની ખાણમાંથી નીકળેલા અને અન્ય દેશમાં કટ તથા પોલીશ્ડ થયેલા એક કેરેટથી વધુના ડાયમન્ડસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. એક કેરેટથી નીચેના ડાયમન્ડસ પરનો પ્રતિબંધ ૧ સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યો છે. 

વિશ્વમાં દર દસમાંથી નવ ડાયમન્ડસનું કટિંગ તથા પોલિશિંગ ભારતમાં થાય છે. આ ડાયમન્ડસની આયાત રશિયા તથા દક્ષિણ આફ્રિકાના ખાણ માલિકો પાસેથી કરવામાં આવે છે. 

નવા ધોરણને કારણે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીમાં ભારતના કટ તથા પોલીશ્ડ ડાયમન્ડસની આયાત ૧૮ ટકા ઘટી ૧૫.૭૦ અબજ ડોલર રહી છે જ્યારે નિકાસ  આ ગાળામાં વાર્ષિક ધોરણે ૨૮ ટકા ઘટી ૧૪.૮૦ અબજ ડોલર રહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

facebook twitter