ચૈત્રી પૂનમ: હનુમાન જન્મોત્સવ પર દાદાની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ આ રીતે કરો પૂજા-અર્ચના

03:43 PM Apr 14, 2024 |

Hanuman Jayanti 2024: હિંદુ ધર્મમાં દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતિ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. હનુમાન જયંતિને 'હનુમાન જન્મોત્સવ' કહેવું વધુ યોગ્ય રહેશે કારણ કે એવું માનવામાં આવે છે કે બજરંગબલી હજુ પણ પૃથ્વી પર છે. આજે પણ તેઓ દરેકની સમસ્યાઓનું નિરાકરણ કરે છે તેથી તેમને સંકટમોચનના નામથી પણ ઓળખવામાં આવે છે.

હનુમાન જન્મોત્સવના અવસર પર દર વર્ષે બજરંગબલીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં અનેક શુભ માંગલિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવાની કામના કરે છે. જો તમે હનુમાન જન્મોત્સવના દિવસે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરી શકતા નથી. તો તમે ઘરે બેસીને કેટલાક નિયમોનું પાલન કરીને પણ પૂજા કરી શકો છો.

હનુમાન જન્મોત્સવ તિથિ

પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 23 એપ્રિલના રોજ સવારે 3:25 વાગ્યાથી શરૂ થશે અને 24 એપ્રિલના રોજ સવારે 5:18 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના દિવસે ઉજવવામાં આવશે.

હનુમાન જન્મોત્સવ પૂજાનું શુભ મુહુર્ત

હનુમાનજીની પૂજા કરવા માટેનું શુભ મુહુર્ત 23 એપ્રિલના રોજ સવારે 9:03 વાગ્યાથી 10:41 સુધી રહેશે. બ્રહ્મ મુહુર્ત 23 એપ્રિલના રોજ સવારે 4:20 વાગ્યાથી 05:04 વાગ્યા સુધી રહેશે. આ શુભ મુહુર્તમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે અભિજીત મુહુર્ત સવારે 11:53 વાગ્યાથી 12:46 વાગ્યા સુધી રહેશે.

હનુમાનજીની પૂજા વિધિ

હનુમાન જન્મોત્સવના દિવસે જે લોકો વ્રત રાખે છે તેમણે આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. આ દિવસે સવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરવું અને વ્રતનો સંકલ્પ લેવો. ઘરમાં પૂજા સ્થાન પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવી અને વિધિ પૂર્વક પૂજા કરવી. હનુમાનજીને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ સિંદૂર અને ચાંદીના વર્ક સાથે અબીર, ગુલાલ, ચંદન અને ચોખા ચઢાવવા. આ પછી સુગંધિત ફૂલ અને ફૂલની માળા અર્પણ કરવી અને નારિયેળ ચઢાવવું. ત્યારબાદ કેવડા કે પછી અન્ય સુગંધિત અત્તર લગાવવું. હનુમાનજીની મૂર્તિના હૃદયના ભાગ પર ચંદનથી શ્રી રામ લખવું. તેવી જ રીતે શ્રદ્ધા પૂર્વક તમે જે પણ અર્પણ કરવા માંગો છો તે અર્પણ કરી શકો છો. હનુમાનજીની પૂજા કર્યા બાદ ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. જો તમે તેમ ન કરી શકો તો ફક્ત શ્રી રામના નામનો જપ કરવો. અંતમાં હનુમાનજીને નૈવેદ્ય ચઢાવીને આરતી કરવી અને લોકોમાં પ્રસાદ વહેંચવો.

હનુમાન જન્મોત્સવનું મહત્વ

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ છે. આ પર્વને શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના દુ:ખોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ભગવાન શ્રી રામ પણ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. આ કારણે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમામ કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન વગેરે કરીને હનુમાનજીની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ હનુમાન ચાલીસા, મંત્ર વગેરેનો પાઠ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

હનુમાનજીનો મૂળ મંત્ર

ॐ હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્ર:॥ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ્।