નેપીડાવ, 15 એપ્રિલ,૨૦૨૪,સોમવાર
મ્યાનમારમાં શકિતશાળી ગણાતા જુંટા શાસન (આર્મી શાસન)ને વિદ્રોહીઓ હંફાવી રહયા છે. મ્યાનમારના ઇતિહાસમાં કયારેય ના થઇ હોય તેવી પીછેહઠનો જુંટા શાસને સામનો કરી રહયું છે ત્યારે એક શહેર ગુમાવવાનો વારો આવ્યો છે. એબીએસ ન્યૂઝના એક અહેવાલ અનુસાર મ્યાંમારમાં ગત સપ્તાહ કરેન નેશનલ યુનિયન (કેએનયુ)ના નેતૃત્વ હેઠળ વિદ્રોહી સમૂહોએ ૨ લાખની વસ્તી ધરાવતા મ્યાવડી શહેર પર કબ્જો મેળળ્યો છે.
મ્યાવડી સરહદ પારથી માલ પરિવહન માટે ખૂબજ મહત્વનું શહેર છે ખાસ કરીને થાઇલેન્ડ સાથેના વેપાર માટે જાણીતા શહેરમાં જુંટા શાસન પર નિયંત્રણ ગુમાવતા દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. વિદ્રોહી સમર્થકો આ ઘટનાને જુટા શાસનના અંતની શરુઆત સાથે જોડી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મ્યામાર આર્મી શહેર પર ફરી નિયંત્રણ માટે પ્રયાસ કરશે તો ધમાસાણ લડાઇ ફાટી નિકળે તેવી શકયતા છે.
સંયુકત રાષ્ટ્રસંઘની માહિતી અનુસાર મ્યાંમારનો બે તૃતિયાંશ ભાગ સંઘર્ષની લપેટમાં આવ્યો છે. જુંટા શાસનને ચીન સાથેની ઉત્તરી સરહદ,પશ્ચિમ બાજુ ભારત સરહદ અને દક્ષિણ પૂર્વી સરહદમાં થાઇલેન્ડ તરફ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ૭૫ વર્ષથી મ્યાંમાર સૈન્ય શાસન હાવી રહયું છે પરંતુ વિદ્રોહી જૂથો તરફથી પ્રચંડ પ્રતિકારનો સામનો કરવો પડયો હોય તેવું પ્રથમવાર જ બન્યું છે.